સૌથી મોટો પ્રશ્ન અને મકનજીના દુહા
સૌથી મોટો પ્રશ્ન
એક દિન મે’તાજીએ છોકરાને પ્રશ્ન કર્યો ઃ-
‘ઈતિહાસ વિષે પ્રશ્ન સહુથી ક્યો મોટો છે ?’
યાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે,
મે’તાજીની આંગળીની ચીંધ સહુ માથે ફરે.
કુરુક્ષેત્ર! ટ્રોય કેરો? ઈતિહાસ ખોટો છે.
ફ્રેન્ચ રાજક્રાન્તિ ? એવી ક્રાન્તિને ય જોટો છે.
રાજ્યકેરા ધારા ? એવા ધારાનો ક્યાં તોટો છે?
વીજળી ને સંચાશોધ ? એ તો પ્રશ્ન છોટો છે.
નોખા ધર્મ પંથ ! એમાં ગડબડ ગોટો છે
સિપાઈના બળવાના વાંસા પર સોટો છે.
સત્યાગ્રહ ! એમાં ય તે કૈંકે વાળ્યો ગોટો છે,
આવડે ન તો તો ગાલે મે’તાજીની થોંટો છે.
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે ઃ
‘સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’
- મુકુંદરાય પારાશર્ય
મકનજીના દુહા
માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઈ!
આંખ પ્રમાણે માનવી ભાળે, કૈં ન નવાઈ.
મકના, મન મારીશ નૈં, દે હરિચરણે ધરી.
હરિશરણની નાવથી જા ભવસાગર તરી.
મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નૈં.
મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.
ગણો મકનને પારકો એનું ન એને દુઃખ.
આપરૂપ સંસારમાં માણે મકનો સુખ.
મુકુન્દરાય પારાશર્ય
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home