Thursday, July 12, 2012

એવા રે અમો એવા રે

એવા રે અમો એવા રે
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા રે.
જેનું મન જે સાથે બાંધ્યું
પહેલું હતું ઘર-રાતું રે,
હવે થયું છે હરિરસ-માતું
ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
કર્મ-ધર્મની વાત છે જેટલી
તે મુજને નવ ભાવે રે,
સઘળા પદારથ જે થકી પામ્યો
તે મારા પ્રભુજીની તોલે ના'વે રે.
સઘળા સંસારમાં એક હું ભૂંડો
ભૂંડાથી વળી ભૂંડો રે,
તમારે મન માને તે કહેજો
નેહ લાગ્યો છે મને ઊંડો રે.
હળવા કરમનો હું નરસૈંયો
મુજને તો વૈષ્ણવ વહાલા રે,
હરિજનથી જે અંતર ગણશે
તેના ફોગટ ફેરા ઠાલા રે.
 - નરસિંહ મહેતા

No comments:

Post a Comment