Friday, March 20, 2015

વિકલાંગ હોવુ શું ગુનો છે?



ઘણા માતા પિતા પોતાના વિકલાંગ સંતાનોને કહે છે કે ગયા જન્મ માં ખૂબ પાપ કર્યા હશે તેથી આ જન્મ માં વિકલાંગતા આવી છે. તેથી હવે કોઈ પાપ કરશો નહી. દરેકને ગમે એવુ કામ કરવુ, કોઈને દુઃખી કરવા નહી.
આ પાપ શું છે ? શું વિકલાંગ પાપી છે?
શું એ વિકલાંગ બાળક એ સમજી શકે છે?
એને તો ફક્ત એટલુજ સમજાય છે કે મારા માતા પિતાને મન વિકલાંગ હોવુ એ માફ ન કરી શકાય તેવો ગુનો છે. તેથી મારે હવે હમેશા બધા કહે તેમ કરવાનું તો અને તો જ હવે ના જન્મ માં મને વિકલાંગતા નહી આવે. પણ આ જન્મ તો એક અપરાધીની જેમ જ જીવવાનું છે. તેનું જીવન એક સખત કામના કેદીના સમાન છે. તેણે ફક્ત જેલર કહે તેમ કરવાનું કોઈજ ફરીયાદ કરવાની નહી, કોઈજ ઈચ્છા, લાગણી કે સંવેદના બતાવવાની નહી. કદાચ તેનાથી કોઈનું દિલ દુભાય અને ફરીથી કોઈ પાપ થઈ જાય.
ના. ના.. અને ના... જ... વિકલાંગતા એ ગુનો નથી જ, પૂર્વ જન્મના પાપનું ફળ નથી જ, વિકલાંગ પાપી નથી, નથી અને નથી જ.
તો વિકલાંગ કોણ છે?
 આપણા ધર્મ ગ્રંથોમાં વાર્તા આવે છે કે જ્યારે કોઈ પુણ્યાત્મા ઘણુજ તપ કરે છે ત્યારે વરદાન આપતા પહેલા, મોક્ષ આપતા પહેલા ભગવાન તે પુણ્યાત્માની પરીક્ષા લે છે. પરીક્ષા લેવા તે જાત જાતના રૂપ ધારણ કરે છે. મોટા ભાગે આ રૂપ કોઈ નાના નાના જીવ, પ્રાણીઓ, પંખીઓ કે પછી ગરીબ-વિકલાંગ, રોગી વગેરે ના હોય છે. કેમ? કારણકે મોટાભાગે લોકો આવા રૂપ નો તિરસ્કાર કરે છે અને તેમનું અપમાન કરે છે. જો ખરેખર જ તે સાચા અર્થમાં પુણ્યાત્મા હશે તો જ તે સર્વ જીવનો-જીવનનો આદર કરશે. જો આદર કરશે તો પરમાત્માની પરીક્ષામાં પાસ!!! અને અનાદર કરશે તો નાપાસ!!!!  જે પાસ થાય તે વરદાન –મોક્ષ નો અધિકારી અને જે નાપાસ થાય તેણે ફરીથી પરીક્ષા આપવાની – વધુ તપ કરવાનું. ફરીથી તપ કરવાનું. કારણકે જે ખરેખર પ્રભુ ભક્ત છે તે જ સર્વ જીવો ને પ્રભુમય અને સર્વ જીવો માં પ્રભુને જોઈ શકે છે.
આમ વિકલાંગો તો ઈશ્વરે પુણ્યાત્માઓની પરીક્ષા લેવા ધારણ કરેલુ એક રૂપ માત્ર છે. અને તેના માતા પિતા એ ઘણા પુણ્યશાળી આત્માઓ છે કે જેની પરીક્ષા ખુદ પરમેશ્વરને લેવા આવવુ પડે છે. 

Dr. Gnaneshwary

No comments:

Post a Comment