Thursday, August 27, 2015

હરીનો મારગ છે શૂરાનો

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.
         – પ્રિતમદાસ

No comments:

Post a Comment