Saturday, May 31, 2014

માંગી તો મૌત ભી નહી મીલતી




એક દિવસ બજાર માં કશી ખરીદી કરવા જવાનુ થયુ. એક દુકાનમાં અમસ્તુ જ બીજા ગ્રાહકો અને દુકાનદાર બહેન વચ્ચેની વાતચીત સાંભળવાનો પ્રસંગ બન્યો. ખરીદી કરવામાં ભાવતાલ ન કરે તો ખરીદી કરવાની મજા જ શુ આવે ? એ ન્યાયે ભાવતાલની રકઝક ચાલતી હતી. આમ તો બધુ સામાન્ય જ હતુ કશુ જ નવુ નહી. દુકાનદાર અને ગ્રાહકો બન્ને બહેનો જ હતા. બન્ને સામાન્ય કુટુમ્બના હતા તેથી ભણતર પણ સામાન્ય જ હશે તેવુ સ્વાભાવિક અનુમાન બંધાયુ. પણ એક સંવાદ મનને સ્પર્શી ગયો. વાત કંઈ એવી હતી કે ગ્રાહક બહેને તેમને પસંદ પડેલા કાપડની કિંમત કહી પણ દુકાનદાર બહેન ને તે પોસાય તેમ ન હતી. તેમણે તેમનો છેલ્લો ભાવ કહ્યો. પણ પેલા ગ્રાહક બહેને કહ્યુ “ નહી ,નહી  મુઝે તો મેરી માંગી હુઈ કિંમત પે હી કપડા ચાહીએ નહી તો રહેને દો.” પેલા દુકાનદાર બહેને જે કહ્યુ તે ખુબ હૃદય સ્પર્શી હતુ. તેમણે કહ્યુ “ અરે, મેરી બહેના, આજકલ તો  માંગી મૌત ભી નહી મીલતી ઔર તુમ કપડે કી બાત કરતે હો? અગર ઈસસે કમ કીંમત પે બેચ સકતી તો જરૂર તુમકો દે દેતી, ઈતના તેરા ઔર મેરા સમય ન બિગાડતી, ક્યુંકિ મુઝે માલૂમ હૈ કી તુ ઔર મૈં દોનો હી અપને  બચ્ચોં કો દો વખત કી રોટી ઔર તન ઢકને કે કુછ કપડે દેને કે વાસ્તે હી તો જીતે-મરતે હૈં.” આગળ ના સંવાદો મારાથી સાંભળવા ન રોકાવાયુ. સામાન્ય કુટુમ્બ, સામાન્ય ભણતર, અસામાન્ય ગરીબી અને અતિ લાગણીશીલ હૃદય જ શુ તેમની અસામાન્ય સમજણ નો પાયો હશે? આવી વાત વિચારવી પણ કેટલી હૃદય દ્રાવક લાગે છે? રોજ પોતાના બાળકો ની નાની-નાની ઈચ્છાઓ, ખુશીઓને મારીને, મનાવીને જીવવા કરતા તેમને રોજ એવુ થતુ હશે કે આના કરતા તો મૃત્યુ જ આવી જાય તો કેવુ સારૂ? રોજ રોજ પોતાના બાળકોને દુઃખી તો ન જોવા પડે. તેઓ પોતાના બાળકોને દુઃખી જોઈ પ્રભુને પ્રાર્થના પણ કરતા હશે કે “ હે ભગવાન! તુ અમને કોઈ જ સુખો તો ભલે ન આપે પણ બધા દુઃખોના અંત જેવુ મોત તો આપ”. પણ તેમને તો મોત પણ મળતુ ન હતુ. તેથી જ આવો નિરાશા ભર્યો સંવાદ કર્યો હશે. ત્યારે મને એવુ થયુ કે મને જ્યારે પ્રભુએ બધુ જ આપ્યુ છે, નાનામાં નાના થી માંડીને મોટા મોટા સુખ આપ્યા છે તો મારે તો ઈશ્વર નો આભાર માનવો જ જોઈએ.
THANK YOU! ભગવાન!  
એ બધી જ કૃપા દૃષ્ટિઓ, અમી દૃષ્ટિઓ, આશીર્વાદો, શુભકામનાઓ માટે જે મને મળી ચૂક્યા છે અને જે મને મળવાના છે.  
ડૉ. જ્ઞાનેશ્વરી શાહ          

No comments:

Post a Comment