gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Saturday, March 2, 2019

Gujarati Natak (Play) on Gandhiji's three monkeys

એંકર: ગાંધીજીના ત્રણ વાંદરા વિષે આપણે સહુ જાણીએ છીએ. ના સુન સુન સુન બુરા, ના દેખ દેખ દેખ બુરા ના બોલ બોલ બોલ બુરા ન સુન બુરા ,દેખ બુરા, બોલ બુરા.
હવે આ બુરા એટલે શું?  જોઇએ...
________________________
નાગરિક: સાહેબ આ બિલ્ડરે પાર્કિંગની જગ્યામાં ફ્લેટ બાંધ્યો છે.
અધિકારી: એમ , સારૂ હું એ બિલ્ડરની ખબર લૈ નાખુ છું.
_____________________
અધિકારી: કેમ લ્યા આ પાર્કિંગની જગ્યામાં ફ્લેટ બાંધ્યો છે.
બિલ્ડર: ક્યાં પાર્કિંગની જગ્યા છે સાહેબ?
અધિકારી: આ રહી મને દેખાય છે ને.
બિલ્ડર: અરે સાહેબ તમે તો ચુસ્ત ગાંધીવાદી છો ને
અધિકારી: હાસ્તો વળી કેમ એમ પુછવુ પડ્યુ?
 બિલ્ડર: તો પછી ભૂલી ગયા ગાંધીજી એ શુ કહ્યુ છે?
અધિકારી: શું ?
બિલ્ડર: નોટ બતાવીને – બુરા મત દેખો
અધિકારી: હસતા હસતા નોટ લઈને – હા હોં તમે સારુ યાદ કરાવ્યુ હોં હવેથી નહી જોઉ હોં
અને કોઇ કહેશે તો સાંભળીશ પણ નહી તમ તમારે નિશ્ચિંત રહો.
બિલ્ડર: પણ પેલો બધે કહેતો ફરશે તો?
અધિકારી: અરે તો હવે પેલાને પણ ગાંધીજીની યાદ અપાવુ.
______________
અધિકારી: અલ્યા એય તુ ગાંધી બાપુનું માન રાખતો નથી?
નાગરિક: અરે સાહેબ તમને એવુ કેમ લાગ્યુ? હું તો ચુસ્ત ગાંધી વાદી છું.
અધિકારી: તો પછી તેમના આદર્શો પર ચાલવાનું નહી?
નાગરિક: હું તો તેમના આદર્શો પર જ ચાલુ છું.
અધિકારી: તો પછી તેં કેમ ફરીયાદ કરી? ભૂલી ગયો ગાંધીજી એ કહ્યુ છે કે
નાગરિક: શું
અધિકારી: બુરા મત કહો?
નાગરિક: એટલે?
 અધિકારી: પેલા બિલ્ડર વિષે ખરાબ કેમ બોલ્યો?
નાગરિક: પણ સાહેબ ...
 અધિકારી: જા આ વખતે તને માફ કરુ છુ પણ હવે પછી આ બાબતે એક પણ શબ્દ બોલ્યો છે તો ... તો પછી જોઇ લેજે...  
____________________
 બિલ્ડર: સાહેબ પેલાને તમે સમજાવ્યુ તોયે પેલો બધે અરજીઓ કરે છે.
અધિકારી:એમ? સારુ તો પછી એને બતાડી દઇએ.
 બિલ્ડર: શું?
અધિકારી: એ તો તમે જો જો ને...
બિલ્ડર: હા સાહેબ પણ આપણુ જરા ધ્યાન રાખજો હોં.
અધિકારી: ધ્યાન રાખવાનું તો એવુ છે ને કે તેં ફક્ત બુરા મત દેખો માટેનાજ ગાંધીજી દેખાડ્યા હતા...
બાકી બુરા મત સુનો અને બુરા મત કહો માટેના ગાંધીજી બાકી છે હોં...
 બિલ્ડર: અરે સાહેબ આ લ્યો (નોટો આપે છે) બસ, હવે ખુશ...
 અધિકારી: ખુશ તો ઠીક લ્યા, આ તો મારે તો બે હાથ જ છે એટલે જો કાન પર રાખુ તો મોં અને આંખ ખુલ્લા રહે છે, અને આંખ પર રાખુ તો ....
બિલ્ડર: બસ બસ સાહેબ હું સમજી ગયો. તમતમારે રાખો આ નોટો અને વધુ જોઇએ તો પણ કહેજો. પણ ...
અધિકારી: સારૂ સારૂ જા હવે મારે બીજા ઘણા કામ છે.
______________
 અધિકારી: અલ્યા એય તારા વિરુધ્ધ અરજી આવી છે.
નાગરિક: શું થયુ સાહેબ?
અધિકારી: કેમ બીજાનું બધુ દેખાય છે ને પોતાનુ નથી દેખાતુ?
 નાગરિક: પણ સાહેબ કંઇ ફોડ પાડો તો સમજાયને?
 અધિકારી: તો આ લે તારી સામેની ફરીયાદ, શું કહેવુ છે તારે?
 નાગરિક:  (વાંચે છે) સાહેબ હું તો આ મકાનમાં જ જન્મ્યો છું.
 અધિકારી: તે શું છે? બધાને મારીને પછી મરવાનો છે?
 નાગરિક: એટલે શું સાહેબ?
 અધિકારી:શું એટલે એટલે કરે છે? સમજાતુ નથી? કે આ મકાન જુનું થઈ ગયુ છે એટલે કોઇ જાન હાનિ ન થાય એટલે તોડી ને ફરીથી બાંધવુ પડશે.
નાગરિક: પણ સાહેબ આ મકાનને તો હજુ...
અધિકારી: એ હું કંઇ ના જાણુ મારે તો ફરિયાદ આવે એટલે કાર્યવાહી કરવી પડે.
નાગરિક: તો શું સાહેબ સરકારમાંથી મને કોઇ સહાય મળશે?
મકાન કોનું છે?
નાગરિક: મારૂ છે સાહેબ.
 અધિકારી: તો પછી સરકાર શેની સહાય કરે?
 નાગરિક: પણ સાહેબ મારી પાસે તો એટલા બધા રૂપિયા ક્યાંથી હોય કે હું મકાન તોડી ને ફરીથી બાંધી શકુ?
 અધિકારી: એ હુ કંઇ ના જાણુ, આ ફરીયાદ છે કે મકાન જુનુ હોવાથી આજુબાજુના રહીશોના જાનમાલને નુકસાન થાય તેવી દહેશત છે. જો તેં દિન દસમાં આ મકાન તોડી પાડ્યુ નથી તો નાછૂટકે સરકાર તોડી પાડશે.
નાગરિક: પણ સાહેબ હું પછી ક્યાં જઇશ?
અધિકારી: એ મારે શું જોવાનું? મારે તો ફરિયાદ આવે એટલે કાર્યવાહી કરવી પડે.
 નાગરિક: પણ સાહેબ...
અધિકારી: કેમ તેં ફરીયાદ કરી હતી ત્યારે મેં પેલા બિલ્ડરને નો’તુ કિધુ? એનો ફ્લેટ તોડી પાડીએ તો ત્યાંના લોકો ક્યાં જાય?
નાગરિક: પણ સાહેબ એ તો ગેરકાયદેસર...
અધિકારી: હવે જાને મને કાયદો ના શિખવાડ... નહી તો ... આ તો શરૂઆત છે... સ્મજી ગયો ને ... નહી તો તને સમજાવવાના ઘણા રસ્તા છે મારી પાસે... 
 નાગરિક: પણ સાહેબ તમે તો કે’તાતાને કે હું ચુસ્ત ગાંધીવાદી છું.
 અધિકારી:તે છું જ ને વળી.
 નાગરિક: તો પછી? આવુ ખોટુ કામ કેમ કરો છો?
 અધિકારી: કેમ ગાંધીજીએ શું કહ્યુ છે: ના સુન સુન સુન બુરા, ના દેખ દેખ દેખ બુરા ના બોલ બોલ બોલ બુરા ન સુન બુરા ,દેખ બુરા, બોલ બુરા.
ના કર કર કર બુરા એવુ ક્યાં કહ્યુ છે?
ગાંધીજી નું ચિત્ર બોલે છે;
હે માનવીઓ આજથી મારા ત્રણ વાંદરા નવો સંદેશ આપશે:
ના સોચ સોચ સોચ બુરા, ના રચ રચ રચ બુરા, ના કર કર કર બુરા ના સોચ બુરા રચ બુરા કર બુરા  
           
અને મારા મૂળ વાંદરાઓને સલાહ આપુ છું કે કોઇની નિંદા ના સાંભળવી, કોઇની ખામી ના જોવી, અને કોઇના વિષે ખરાબ ના બોલવું.

પણ ખોટા કાર્યની ફરિયાદ સાંભળવી જ જોઈએ, ખોટુ કાર્ય તો જોવુ જ જોઈએ અને ખોટા કાર્યની સામે તો અવાજ ઉઠાવવોજ જોઈએ.

Dr. Gnaneshwary 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home