gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Tuesday, April 7, 2015

ખુદા તારી કસોટીની...




સારા અને સાચા લોકોની ગઝલ વકાલત
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણા એવાય છે જેની દુઆ સારી નથી હોતી.
કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં 'બેફામ' કોઈ પણ જગા સારી નથી હોતી.
-
બરકત વિરાણી 'બેફામ'
ઘણીવાર અકળાઈ જવાય છે... ઈશ્વર ઉપર અશ્રદ્ધા જન્મે છે અને એમ થાય છે કે જાણે ઈશ્વરે આપણા સિવાય બધાંને ખુશ કર્યા છે...! આપણે એકલા જ દુઃખી છીએ...! પ્રાણવાયુની દીવાલ ઉપર પીડાનું કોતરકામ કર્યું છે... બરકત વિરાણી 'બેફામ' સાહેબની આ ખૂબ જાણીતી ગઝલ છે. એમાંના ચૂંટેલા શે'રો 'જીવનમાં હકારની કવિતા'માં પ્રગટ કર્યા છે... ફૂલ પરથી પણ છોડના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. એ જ રીતે આ ચૂંટેલા શે'ર જીવની જબાન પર કોતરી રાખવા જેવા છે. ખુદા એટલે કે ઈશ્વર એનું ગણિત આજેય સમજાયું નથી... જેને ગાફિલ સાહેબ, 'તમારા ફૂટપટ્ટીનાં માપ...' એવા શબ્દપ્રયોગથી સંબંધે છે. જે ખરાબ છે એને ફાવતું મળે છે અને જે સારા છે એમાં નડતું ભળે છે...! આમ, શાંત પાણી હોય પણ ખૂબી એવી કે જ્યારે તરવા જઈએ ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી...!
રડીને ઘર રાખનારાઓ કે પછી 'મારે માટે પ્રાર્થના કરજો' - એવું કહેનારા માણસો સહુથી વધારે તકવાદી હોય છે. બેફામ સાહેબ એનાથી પણ આગળ જઈને પોતાની વાત માંડે છે. બધાંને આપણે માટે પ્રાર્થના કરવાનું ક્યારેય કહેવું નહીં. કારણ કે ઘણા એવા છે જેની પ્રાર્થનામાં આપણા માટેનો પ્રપંચ હોય છે, પ્રેમ નહીં. બધાંને દુઃખ કહેવાથી દુઃખી થવામાં જ વધારો થતો હોય છે. આ જમાનો જુદો છે અને આપણાથી બદલાયો છે. કબરમાં જઈશું ત્યારે ફરિશ્તાઓ આપણું 'રેગીંગ' નહીં કરતા હોય એની શી ખબર? જમ તો પછીની વાત છે પરંતુ જમનો પાડો આપણી જોડે કેવું વર્તન કરશે? વિચાર્યું છે કદી...? બેફામ સાહેબની આ ગઝલ 'નથી હોતી...'ની બાતમી આપતી શું હોય છે? એની ખબર આપતી ગઝલ છે. આ ગઝલમાં ઈશ્વર સાથે સીધો વાર્તાલાપ છે, સંવાદ છે... ચર્ચા છે... વ્યાકુળતા છે... પ્રશ્નોની પરિપકવતા છે.. આંદોલન છે... જીવનનું અવલોકન છે... નિચોડ છે. પરંતુ ક્યાંય ઝઘડો નથી... જે બધાની પરીક્ષા કરે છે એણે પોતે પણ ઘણી બધી પરીક્ષામાંથી પસાર થવું પડયું છે પરંતુ એમાં ક્યાંય આપણે જવાબદાર ખરા...! બેફામ સાહેબના મુક્તકથી લેખનો અંત કરું છું...
''
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તેં તો કદીયે કોઈની પ્રતીક્ષા નથી કરી...
એ શું કે રોજ તું જ કરે મારું પારખું,
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી...!''
                જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી SUN 5/4/2015 Gujarat samachar
લી ક્વાન ઃ બિહારને બે વરસમાં સિંગાપોર જેવું કરી દઉં.
લાલુ ઃ સિંગાપોર મને આપે, બે દિવસમાં બિહાર બનાવી દઉ! (દોઢ દાયકા જૂનો જોક)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home