નારી ની વાચા
તને દીકરીની જેમ સાચવશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ દીકરીને દૂધ પીતી કરતા હતા.
તને ઘરેણાની જેમ સાચવશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ ઘરેણાને તાળા માં રાખતા હતા.
તને કાચની ઢીંગલીની જેમ સાચવશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ ઢીંગલી વેચતા હતા.
તને ફૂલની જેમ સાચવશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ ફૂલ મસળીને ફેંકી દેતા હતા.
તને દેવીના સ્થાને સ્થાપશુ,મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ દેવી પાસે ઘણુ બધુ માગતા હતા.
તને જીવની જેમ સાચવશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ જીવન વિમો પાકવાની રાહ જોતા હતા.
તને કાર્યેષુ મંત્રી બનાવશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ આર્થીક જવાબદારી આપતા હતા.
ભોજ્યેષુ માતા કહેતા હતા, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ ઘરની પણ જવાબદારી આપતા હતા.
જુદા જુદા વિષેશણોથી નવાજશુ, મીઠી મીઠી વાતો કરતા હતા,
મને શું ખબર કે તેઓ મને સજીવ ગણતા ન હતા.
ડૉ.જ્ઞાનેશ્વરી