gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Thursday, October 29, 2015

દીકરી મારી લાડકવાઈ




દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઈ જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર
દીકરી મારી લાડકવાઈ..
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતાં થાકીને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર
રૂપમાં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાઈ..
કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે
પાપા પગલી ચલાવતાં બાપનું હૈયું ઝુમે
દીકરી તું તો માતપિતાનો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાઈ..
હૈયાના ઝુલે હેતની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઊજળો છે સંસાર
દીકરી મારી લાડકવાઈ..
દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

શબ્દો મુકેશ માલવણકર

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
-જગદીશ જોષી

Wednesday, October 28, 2015

'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ'

'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ,
જાકે સિર મોર મુકુટ, મેરો પતિ સોઈ,
તાત, માત, ભ્રાત, બંધુ, અપનો ન કોઈ.
ઍંસુવન જલ સીંચ સીંચ પ્રેમબેલિ બોઈ,
અબ તો બેલિ ફૈલ ગઈ, હોની હો સો હોઈ,
દૂધ કી મથનિયૉં બડે પ્રેમસે બિલોઈ,
માખન જબ કાઢિ લિયો, છાછ પિએ કોઈ.
આઈ મૈં ભક્તિકાજ જગત દેખ મોહી,
દાસિ મીરૉં ગિરિધર પ્રભુ, તારો અબ મોહી.'

Tuesday, October 20, 2015

ઊંઘ આવે ક્યાંથી બાળકને

ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી બાને હવે..
એ પ્રભાતી બાળપણ, યૌવનની એ તપતી પળો,
યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે..
તેં હવામાં શિલ્પ કંડાર્યાનું ક્યાં એને કહ્યું!
સ્હેજ પણ ધરતી ઉપર ગમતું નથી પીંછાને હવે..
સૂર્યનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ,
ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે..
ચીસ મારી સંભાળીને પહાડ પણ ધ્રૂજી ઊઠ્યા,
કેમ પડઘાવું નથી સમજાતું પડઘાને હવે..
- અનિલ ચાવડા

આપણે લાગણીઓ છોડીને પરિવર્તન પકડવા નિકળ્યા છીએ. તેથી
અનિલ ચાવડાની કેટલીક પંક્તિઓને નવેસરથી લખતા :

'ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી બાને હવે...
ઘરડી ડોશી અને પરીેઓ તો બહુ દૂરની વાત,
'મામા નું ઘર કેટલે' પણ ક્યાં યાદ છે બાને હવે...
હાલરડા ઓનલાઈન અને પારણા ઓટોમેટિક મળે છે,
વોટ્સએપમાં વસતી ને ફેસબુકમાં ફરતી બાને હવે...
'ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?

વારતા એકેય આવડતી નથી બાને હવે...'