gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Tuesday, May 8, 2012

ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જંિદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.
આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ!
- મકરંદ દવે

જીવન-જ્યોત જગાવો

જીવન-જ્યોત જગાવો
જીવન-જ્યોત જગાવો પ્રભુ હે! જીવન જ્યોત જગાવો
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો;
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો;
અમને રડવડતાં શિખવાડો! ...પ્રભુ હે!
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરવો;
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો;
અમને ઝળહળતાં શિખવાડો! પ્રભુ હે!
ઊગતાં અમ મનમાં ફૂલડાંને રસથી સભર બનાવો;
જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો;
અમને મઘમઘતાં શિખવાડો! પ્રભુ હે!
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો;
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો;
અમને ગરજંતા શિખવાડો! પ્રભુ હે!
અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો
સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો
અમને સ્થળ-સ્થળમાં વરસાવો! પ્રભુ હે!
- ‘સુંદરમ્‌’