gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Thursday, May 28, 2015

માણસ

આમ માણસ એટલો ઊંડો
કે ડૂબો તો પણ ના મળે,
ને આમ જરાક અપેક્ષા રાખો
તો તરત જ એનું તળિયું મળે !

હે પ્રભુ, મારા હૃદયમંદિરમાં વાસ કરો

''મારું હૃદયમંદિર સાવ નાનકડું છે.
તેને વિશાળ બનાવ, જેથી
હું તને આવકારી શકું.
મારું હૃદય ભગ્ન અવસ્થામાં છે
તેને નવુંનકોર બનાવ,
જેથી તે તારે લાયક બને.
મારું હૃદય મંદિર અસ્વચ્છ છે,
તેને હિમથી પણ વધારે ધવલ બનાવ.
મારા મનની મહેચ્છા ત્યારે પૂર્ણ થશે,
જ્યારે તું મારા હૃદયમંદિરમાં વસીશ.
સદાને માટે, સદાને માટે જેથી,
મારાં રોજિંદાં કાર્યો હું
તારી પ્રેમભરી હાજરીમાં કરી શકું.
હે પ્રભુ, મારા હૃદયમંદિરમાં વાસ કરો.''

Friday, May 8, 2015

મેંદી રંગ લાગ્યો

તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.
- ઇન્દુલાલ ગાંધી

મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો
નાનો દિયરડો લાડકો જે, કંઇ લાવ્યો મેંદીનો છોડ રે મેંદી રંગ લાગ્યો
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે મેંદી રંગ લાગ્યો
હાથ રંગીને વીરા શું રે કરું? એનો જોનારો પરદેશ રે મેંદી રંગ લાગ્યો
લાખ ટકા આલું રોકડા, કોઈ જાવ જો દરિયા પાર રે મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારી બેની પરણે ઘરે આવ્ય રે મેંદી રંગ લાગ્યો
બેની પરણે તો ભલે પરણે એની ઝાઝા દી રોકજો જાન રે મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારો વીરો પરણે ઘરે આવ્ય રે મેંદી રંગ લાગ્યો
વીરો પરણે તો ભલે પરણે એની જાડેરી જોડજો જાન રે મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારી માડી મરે ઘરે આવ્ય રે મેંદી રંગ લાગ્યો
માડી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠ રે મેંદી રંગ લાગ્યો
શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો કે તારી માનેતીની ઊઠી આંખ રે મેંદી રંગ લાગ્યો
હાલો સિપાઈઓ, હાલો બંધુડા, હવે હલકે બાંધો હથિયાર રે મેંદી રંગ લાગ્યો
મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે

હરખ હવે તું હિન્દુસ્તાન.

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

રાજ અનુપમ આજ થયું છે, લાજ વધારી તારી લેખ,
ઘોર કુકર્મી ચોર ગયા ને જોર દગાનું ડૂબ્યું દેખ;
મહમદ સરખા મારણ ન મળે, તૈમુર તુલ્ય નહિ તોફાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

જુલમી રાજાની જડ ઉખડી, નાદિર સરખા પામ્યા નાશ,
ભારે ભીલ તણો ભય ક્યાં છે, ક્યાં છે કજિયા ને કંકાશ;
વિધવિધના વૈભવ વસ્તીને, પહેરે પટકૂળ, ચાવે પાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

હોલકરથી નહિ હોય ખરાબી, મરાઠા કોણ જ માત્ર,
કદી સંહાર ન કરે સિંધિયા, પીંઢારા પણ ગયા કુપાત્ર;
ઈંગ્લિશના નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

એ બળવંતા આશ્રય આગળ, ગાય ધવલ મંગળ ગુણગીત,
જેના ધારા સૌથી સારા, નિર્બળ નરને ડર નહિ ચિત્ત;
કોળી નાળીનો ભય ટાળી, સંભાળ રાખે સંસ્થાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

ફાંસીખોરા ફેલ કરીને, વનમાં પાડી ન શકે વાટ,
ધીંગા કાઠી જટનાં ધાડાં ધોડાં ઘેરી ન શકે ઘાટ;
ખેતર કે કુવેતરમાં જઈ, લશ્કર લૂંટી ન લહે ધાન્ય,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

લંકાથી હિમાલય લગભગ, કલકત્તાથી કચ્છ પ્રવેશ,
પંજાબી, સિંધી, સોરઠિયા, દક્ષિણ માલવ આદિક દેશ;
દિવસ ગયા ડરના ને દુઃખના, સુખના દિનનું દીધું દાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

તે માટે તું તો તનમનથી, માની લે એનો આભાર,
રાજી રાજી રહી નિરંતર, સ્વર્ગ સમો સજજે શણગાર;
દિલથી આશિષ દે છે દલપત, મહિમા મોટું મેળવ માન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
-દલપતરામ

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું



મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારૂ નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્થ રહે.
દીન ક્રુર ને ધર્મ વિહોણા દેખી દીલમાં દર્દ રહે.
કરૂણા ભીની આંખોમાં થી અશ્રુનો શુભ સ્તોત્ર વહે મૈત્રી...
મારગ ભુલેલા જીવન પથિકને મારગ ચીંધવા ઊભો રહુ,
કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરૂ.
ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે,
વેર ઝેર ના ભાવ ત્યજી ને મંગલ ગીતો ને ગાવે મૈત્રી....


જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
                  જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
                  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
                  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
                  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
                  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
                  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
                  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
                  અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
                  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
                  માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
                  એનો નહિ આથમે ઉજાસ રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
          – દામોદર ખુશાલદાસ બોટાદકર

ધૂળિયે મારગ ચાલ !


કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?

કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,

સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

મકરન્દ દવે

જીવન અંજલિ થાજો !

જીવન અંજલિ થાજો !
           મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
           મારું જીવન અંજલિ થાજો !
                                                          
સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
           મારું જીવન અંજલિ થાજો !
                                                       
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !
            મારું જીવન અંજલિ થાજો !
                                                         
વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
           મારું જીવન અંજલિ થાજો !
                                                       
કરસનદાસ માણેક

તે મને શીખવ

            
હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે કેમ જીવવું?
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી?
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?
તે મને શીખવ.
કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?
તે મને શીખવ.
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું?
ત મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?
તે મને શીખવ.
                
સાભાર:
અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2
સ્વામિનારાયણ અક્ષરપીઠ
શાહીબાગ, અમદાવાદ- 380004

વૈષ્ણવજન તો

                                   

વૈષ્ણવજન તો તેને કહીએ,  જે  પીડ પરાઈ  જાણે રે; પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેક
                                                                    
સકળ  લોકમાં  સહુને  વંદે.   નિંદા  ન  કરે  કેની  રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ..
                                                            
સમદ્રષ્ટિને  ને  તૃષ્ણા  ત્યાગી,  પરસ્ત્રી  જેને  માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ  ઝાલે હાથ રે… વૈષ્ણવ..
                                                                
મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે… વૈષ્ણવ..
                                                              
વણલોભી  ને  કપટ  રહિત  છે,  કામ ક્રોધ  નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,  કુળ એકોતેર  તાર્યાં રે… વૈષ્ણવ..
                                                    
નરસિંહ મહેતા

આ નભ ઝૂક્યું તે કાનજી

આ નભ ઝૂક્યું તે કાનજી
      ને ચાંદની તે રાધા રે,
આ સરવર જલ તે કાનજી
      ને પોયણી  તે  રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
      ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
       ને  કેડી ચડે  તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
      ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
      ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
        ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી
     ને નજરું જુએ તે રાધા રે!
–  પ્રિયકાંત મણિયાર

પાર્થને કહો ચડાવે બાણ


પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
 

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ
 
કવિ નાનાલાલ દલપતરામ કવિ