gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Thursday, August 27, 2015

ઝાંઝર અલકમલકથી આવ્યું રે

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું
એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું
ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું
          – ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર

તું તારા દિલનો દીવો થા ને

તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

શિવાજીનું હાલરડું

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….
પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….
ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….
પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને ….
ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી તો હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની …. શિવાજીને ….
લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને ….
આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે
ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને ….
આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને ….
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી
પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….
આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર બંધૂકા …. શિવાજીને ….
સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા
માને હાથ ભેટ બાંધવા …. શિવાજીને ….
જાગી વે’લો આવજે વીરા
ટીલું માના લોહીનું લેવા.
શિવાજીને નીંદરૂ ના’વે
માતા જીજીબાઇ ઝૂલાવે.
બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !
          – ઝવેરચંદ મેઘાણી (Za

હરીનો મારગ છે શૂરાનો

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.
         – પ્રિતમદાસ

શ્રીકૃષ્ણાષ્ટ્કમ

ભજે વ્રજૈકમણ્ડનં સમસ્તપાપખણ્ડનં
સ્વભક્તચિત્તરંજનં સદૈવ નન્દનન્દનમ્ ।
સુપિચ્છગુચ્છમસ્તકં સુનાદવેણુહસ્તકં
અનંગરંગસાગરં નમામિ કૃષ્ણનાગરમ્ ।।૧।।
વ્રજભૂમિના એકમાત્ર આભૂષણરૂપ, સઘળાં પાપોનો નાશ કરવાવાળા, પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા,નંદનદનને હું હંમેશાં ભજું છું. જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુગટ શોભે છે, હાથમાં સૂરીલી બંસરી છે,કામકળાના જેઓ સાગર છે એવા નાગર શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૧)
મનોજગર્વમોચનં વિશાલલોલલોચનં
વિઘૂતગોપશોચનં નમામિ પદ્મલોચનમ્ ।
કરારવિન્દભૂધરં સ્મિતાવલોકસુન્દરં
મહેન્દ્ર માનદારણં નમામિ કૃષ્ણવારણમ્ ।।૨।।
કામદેવના ગર્વને હણનાર, વિશાળ સુંદર નેત્રોવાળા, વ્રજગોપીઓના શોકને હરનાર, કમલનયન ભગવાનને હું નમસ્કાર કરું છું. જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો, જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે, દેવરાજ ઈન્દ્રના ગર્વનું જેણે ખંડન કર્યું છે, વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. (૨)
કદમ્બસૂનકુણ્ડલં સુચારુગણ્ડમણ્ડલં
વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભમ્ ।
યશોદયા સમોદયા સગોપયા સનન્દયા
યુતં સુખૈકદાયકં નમામિ ગોપનાયકમ્ ।।૩।।
જેના કાનમાં કદંબફૂલોનાં કુંડલ શોભે છે, જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે. વ્રજબાળાઓના એકમાત્ર પ્રાણાધાર એવા દુર્લભ શ્રીકૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. જે ગોપવૃંદ અને નંદરાજ સહિત છે, અતિપ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા, એકમાત્ર આનંદદાયજી ગોપનાયક ગોપાલને હું નમસ્કાર કરું છું. (૩)
સદૈવ પાદપંકજં મદીયમાનસે નિજં
દધાનમુત્તમાલકં નમામિ નન્મદબાલકમ્ ।
સમસ્તદોષશોષણં સમસ્તલોકપોષણં
સમસ્તગોપમાનસં નમામિ નન્દલાલસમ્ ।।૪।।
જેણે પોતાનાં ચરણકમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યાં છે, એવા ખૂબ જ સુંદર અલકો (લટો) વાળા નંદકુમારને હું નમસ્કાર કરું છું. જે સર્વ દોષો દૂર કરવાવાળા છે, સર્વ લોકોનું પોષણ કરવાવાળા છે, સમસ્ત ગોવાળોનો હૃદયરૂપ અને
નંદજીની લાલસારૂપ છે એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. (૪)
ભુવો ભરાવતારકં ભવાબ્ધિકર્ણધારકં
યશોમતીકિશોરકં નમામિ ચિત્તચોરકમ્ ।
દગન્તકાન્તભંગિનં સદાસદાલસંગિનં
દિને દિને નવં નવં નમામિ નન્દસંભવમ્ ।।૫।।
પૃથ્વીનો ભાર ઉતારવાવાળા ભવસાગરના કર્ણધાર, ચિત્તને હરી જનાર યશોદાનંદનને હું નમસ્કાર કરું છું. અતિ કમનીય કટાક્ષવાળા, સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા, નિત્યનૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું. (૫)
ગુણાકરં સુખાકરં કૃપાકરં કૃપાપરં
સુરદ્વિષન્નિકન્દનં નમામિ ગોપનન્દનમ્ ।
નવીનગોપનાગરં નવીનકેલિલંપટં
નમામિ મેઘસુન્દરં તડિત્પ્રભાવસત્પટમ્ ।।૬।।
ગુણોના ભંડાર, સુખસાગર, કૃપાનિધાન, કૃપાળુ ગોપાળ, જે દેવના શત્રુઓનો નાશ કરનાર છે. તેમને હું નમસ્કાર કરું છું. નિત્યનૂતન, લીલા કરનાર, મેઘશ્યામ, નટવરનાગર ગોપાળ, વીજળી જેવી આભાવાળા, અતિસુંદર પીતાંબર ધારણ કરનારને હું નમસ્કાર કરું છું. (૬)
સમસ્તગોપનન્દનં હૃદમ્બુજૈકમોદનં
નમામિ કુંજમઘ્યગં પ્રસન્નભાનુશોભનમ્ ।
નિકામકામદાયકં દગન્તચારુસાયકં
રસાલવેણુગાયકં નમામિ કુંજનાયકમ્ ।।૭।।
સઘળા ગોપને આનંદ આપનાર, તેમના હૃદયકમળને વિકસિત કરનાર, તેજસ્વી સૂર્ય સમાન જે શોભતા રહેલા છે એવા કુંજની મઘ્યમાં રહેનાર શ્યામસુંદરને હું નમસ્કાર કરું છું.
જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે, જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે. સુમઘુર વેણુ વગાડી ગાન કરવાવાળાએ કુંજનાયકને હું નમસ્કાર કરું છું. (૭)
વિદિગ્ધગોપિકામનોમનોજ્ઞતલ્પશાયિનં
નમામિ કુંજકાનને પ્રવૃઘ્ધવહ્નિપાયિનમ્ ।
યદાતદા યથા તથા તથૈવ કૃષ્ણસત્કથા
મયા સદૈવ ગીયતાં તથા કૃપા વિધીયતામ્ ।
પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યધીત્ય ય: પુમાન્
ભવેત્સ નન્દનન્દને ભવે ભવે સુભક્તિમાન્ ।।૮।।
જે ચતુર ગોપીઓના મનરૂપી સુકોમળ શય્યા પર શયન કરવાવાળા છે, કુંજ વનમાં વધતા જતા દાવાગ્નિને પી જનારા શ્રીકૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. જ્યારે-ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોઉં છતાં સદાય શ્રીકૃષ્ણની સત્યકથાઓનું ગાન હું કરું તેવી કૃપા મારા પર વરસો.
જે પુરુષ પ્રમાણિકા છદમાં રચાયેલાં આ બે અષ્ટકોનો પાઠ યા જપ કરશે તે જન્મોજન્મ નંદનદન શ્યામસુંદરની ભક્તિવાળો થશે. (૮)–

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા

હે ..જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળયા ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? …હે જાગને..
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?…હે જાગને …
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? …હે જાગને..
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?… હે જાગને …
 ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંહેડી કોણ સહાશે ? …  હે જાગને …
હે ..જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે..??

ઈશ્વરેચ્છા કેવલમ્ બલીયસી

સ્વયં મહેશ, સ્વસુરો નગેશ, પુત્ર ગણેશ, સખા ધનેશ
તથાપી ભિક્ષાં ટનમેવ શંભું બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા


પોતે મહેશ છે. શ્વસુર પર્વતોનાં રાજા હિમાલય છે. પુત્ર ગણોમાં શ્રેષ્ઠ ગણેશ છે. અને જેનો મિત્ર કુબેર ભંડારી છે. છતાં શિવ ભીક્ષા માટે દ્વારે દ્વારે ભટકે છે અને તેથી જ ઈશ્વરની ઈચ્છાને બળવાન ગણવામાં આવે છે.