હૃદય પરના જખમોનું નક્શીકામ
બહુ સુંદર છે
નક્શીકામ જખમોનું હૃદય પર,
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે.
- મરીઝ
લોકોએ અમારા
જીવનબાગમાંથી ઘણા વૃક્ષો લીધા કાપી,
પણ અમે તેમાંથી અમારા લક્ષ્યની કેડી કંડારી
લીધી.
લોકોએ તો અનેક હથોડા
માર્યા અમને પત્થર ગણી,
પણ દરેક ઘા સહી અમે અમારામાંથી મૂર્તિ કંડારી લીધી.
હૃદય પરના જખમોને કંઈક
એવી રીતે અમે વર્ણવ્યા
કે લોકોએ અમને અમર કલાકૃતિના સર્જનહાર દર્શાવ્યા.
હૃદય પરના જખમો પર
કંઈક એવા રંગો અમે પૂર્યા
કે લોકો તેને રંગોળી સમજી તેની નકલ કરવા લાગ્યા.
હૃદય પરના જખમોને કંઈક
એવી રીતે અમે ગોઠવ્યા
કે તેમાંથી ભાતીગળ નકશીકામ ઉભરી આવ્યુ.
હૃદય પરના જખમોને કંઈક
એવી રીતે અમે સજાવ્યા
કે લોકોએ તેને શણગારના નવા ચીલા ગણી વખાણ્યા.
- Dr. Gnaneshwary