gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Thursday, November 16, 2017

લીલી લેંબડી રે

લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ 
લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ. 
પરભુ પરોણલા રે, મારે ઘેર ઉતારા કરતા જાવ
ઉતારા નૈ કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ 
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.                            લીલી લેંબડી રે... 
પરભુ પરોણલા રે, મારે ઘેર દાંતણ કરતા જાવ
દાંતણ નૈ કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ 
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.                            લીલી લેંબડી રે... 
પરભુ પરોણલા રે, મારે ઘેર નાવણ કરતા જાવ
નાવણ નૈ કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ 
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.                            લીલી લેંબડી રે... 
પરભુ પરોણલા રે, મારે ઘેર ભોજન કરતા જાવ
ભોજન નૈ કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ 
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.                            લીલી લેંબડી રે...

હાજી કાસમ તારી વીજળી રે

હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ! હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ! શેઠ કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ! ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે', દેશ પરદેશી માનવી આવ્યા, જાય છે મુંબઈ શે'ર...કાસમ તારી૦ દસ બજે તો ટીકટું લીધી, જાય છે મુંબઈ શે', તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર...કાસમ તારી૦ ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંનો નૈ પાર, અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઈ શે'ર...કાસમ તારી૦ બાર બજે તો બરોબર ચડિયાં, જાય છે મુંબઈ શે', ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા'ણ...કાસમ તારી૦ મોટા સાહેબની આગબોટું મળીઉં, વીજને પાછી વાળ્ય, જહાજ તું તારું પાછું વાળ્યે, રોગ તડાકો થાય...કાસમ તારી૦ પછી વાળું મારી ભોમકા લાજે!,અલ્લા માથે એમાન, આગ ઓલાણીને કોયલા ખૂટયા,વીજને પાછી વાળ્ય...કાસમ તારી૦ મધ દરિયામાં મામલા મચે,વીજળી વેરણ થાય, ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના'વે પાર...કાસમ તારી૦ કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઈ શે', હિન્દુ મુસલમીન માનતા માને, પાંચમે ભાગે રાજ...કાસમ તારી૦. પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે', ફટ ભૂંડી તું વીજળી! મારાં, તેરસો માણસ જાય...કાસમ તારી૦. વીજળી કે' મારો વાંક નૈ વીરા, લખિયલ છઠ્ઠીના લેખ, તેરસો માણસ સામટા બૂડયાં, બૂડયા કેસરિયા વર...કાસમ તારી૦. ચૂડીએ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ, મુંબઈ શે'રમાં માંડવા નાખેલ, ખોબલે વેંચાય ખાંડ...કાસમ તારી૦. ઢોલ ત્રંબાળુ ધુ્રસકે વાગે, જુએ જાનુંની વાટ, સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ...કાસમ તારી૦. દેશદેશથી તાર વછૂટયા, વીજળી બૂડી જાય, વાણિયા વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણા થાય...કાસમ તારી૦. પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ, સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ...કાસમ તારી૦. મોટા સાહેબે આગબોટું હાંકી, પાણીનો ના'વે પાર, મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના'વે પાર...કાસમ તારી૦. સા'બ મઢયમ બે દરિયો ડોળે, પાણીનો ના'વે તાગ...કાસમ તારી૦ 

મમ્મી "નાની" થઈ ગઈ

એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી, 
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી! 
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન! 
મેં પણ એનું માથું ધોયું, પકડીને બે કાન! 
તૈયાર કરી, માથે એને લઈ દીધી'તી ચોટી, 
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી. 
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું! 
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું! 
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી, 
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી. 
દોડા-દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું 
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું! 
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી, 
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી. 
                   (ડૉ. આઈ. કે. વીજળીવાળા)

છોડી દે ને આ બધુ સમયસર કરવાનુ

છોડી દે ને આ બધુ સમયસર કરવાનુ, 
સમયસર ઉઠવાનુ ને સમયસર ઉંઘવાનુ,
સમયસર ભણવાનુ ને સમયસર રમવાનુ, 
સમયસર ખાવાનુ ને સમયસર પીવાનુ,
છોડી દે ને  બધુ સમયસર કરવાનુ.
સમયને ક્યાં કોઇ છે બાંધવાનુ? સમયને ક્યાં કોઇ છે રોકવાનુ?
ક્યાં છે નક્કી કેટલુ જીવવાનુ? ને ક્યાં છે નક્કી ક્યારે મરવાનુ?
બધુ એના સમયે જ છે થવાનુ, એમાં આપણુ કંઇ ક્યાં છે ચાલવાનુ?
તો છોડી દે ને આ બધુ સમયસર જીવવાનુ. 
સૂરજનુ નક્કી છે ઉગવાનુ ને નક્કી જ છે આથમવાનુ,
ફૂલોનુ નક્કી છે ખિલવાનુ ને નક્કી જ છે કરમાવાનુ,
એમજ છે નક્કી જન્મવાનુ ને નક્કી જ છે મરવાનુ,
તો શા માટે જીદ કરે  છે બધુ સમયસર કરવાનુ 
છોડી દે ને આ બધુ સમયસર જીવવાનુ.

 Dr. Gnaneshwary ડૉ. જ્ઞાનેશ્વરી