gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Tuesday, April 28, 2015

હે ભગવાન !!!

હે ભગવાન તારા બનાવેલા આજ તુજને બનાવે છે!
તને પૂછ્યા વિના કરોડોના હાર પહેરાવે છે.
એમાં તારા મૌનને અમે હા સમજીએ છીએ.
સત્તર પકવાન અમે સૌ! તારા ચરણમાં ધરીએ છીએ.
તારા દ્વારે ઊભા શિશુ એના (પકવાનના) દર્શનની રાહ જુએ છે.
કથાઓ સતયુગના વખતની થાય છે તોય એમની ગરીબી ક્યાં જાય છે.
હે ભગવાન તારા નામે દલાલો એમના ભંડારા ભર્યે જાય છે.
નથી તારે દીકરા-દીકરી પરણાવવા, નથી તેમને ધંધે વળગાડવા
નથી ભણાવવા તારે કોઈને, તો પછી ભંડારા લૂંટાવવામાં તારુ શું જાય છે?
સ્વીસ બેંકના પૈસા, ક્યારે આવશે કોને ખબર!
તારા ભંડારો ધરી દે ભારત માતને!
પળવારમાં જામેલી ગરીબી ભાગે તારી હાકથી
પણ નહી કરવા દે, પંડા તુજને આ બધુ એનું તુજને ભાન છે?
કરોડો અબજોના મંદિર તારે શું કામના લોકોને રહેવા નાનું ઘર નથી.
એનુ તુજને ભાન છે? ખોટુ ના લગાડતો તું
તારા દંભી ભક્તોને જગાડવાનો આ નાનો પ્રયાસ છે
 એમાં હું નાપાસ થઈશ આ પરિણામની મને જાણ છે.
                ગુણવંત બી. શાહ

ન જાણ્યુ જાનકી નાથે



ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે,
અરે એ કેમ કહેવાયે, પ્રભુ તો સર્વે જાણે છે.
થયુ થાયે અને થાશે, બધું એ નાથને હાથે,
અરે એ વિશ્વના કર્તા, પ્રભુ તો સર્વે જાણે છે.
સર્જે જગને અને પાળે, કરે સંહાર પણ પોતે,
અજાણ્યુ હોય શું એથી, પ્રભુ તો સર્વે જાણે છે.
નથી સ્થળ મંચ પણ ખાલી, પ્રભુ વિણ વિશ્વ આખામાં,
રહ્યા છે સર્વમાં વ્યાપી, અજાણ્યુ હોય શું એમાં.
ભલે સુરનર મુની મોટા બધાને તો અજાણ્યુ છે,
નથી કો જાણતુ જગમાં, સવારે શું થવાનું છે.
સવારે તો રહ્યુ આઘું, ઘડીપળની ખબર કોને,
છતા મિથ્યાભિમાની જન, અહંકારે છકે જોને.
અહા! એ નાથની માયા, સહુ તે માંય સપડાયા,
ન ચાલે કોઈનું કાંઈ, અવિદ્યામાંય અટવાયા.
પછી કહો, કોઈ શું જાણે, સવારે શું થવાનું છે,
નહી અચરજ કશું એમાં, બધાયે જીવ એવા છે.
પરંતુ જીવના સરખા, પ્રભુને કેમ લેખાયે,
પ્રભુ મહિમા ન જાણીને, ગમે તે કેમ બોલાયે.
ઘણા અજ્ઞાન જન જગમાં, ન જાણે નાથનો મહિમા,
ન જાણ્યુ જાનકી નાથે, કરે વૃથા બકવા.
પ્રભુએ માનુષી લીલા, કરી અવતાર ચરિતોમાં,
કર્યુ સહુ જોઈ જાણીને વૃથા એથી ફુલાશો મા.
જણાવ્યુ જગતને બીજું, હતુ અંતર વિષે બીજું,
ન જાણે મર્મ હર બ્રહ્મા, પછી આ જીવ જાણે શું.
ભૂમિનો ભાર હરવાને, અધર્મોચ્છેદ કરવાને,
સુખી સુર સંત કરવાને, વ્યવસ્થિત કર્મ કરવાને.

પ્રકટ થાયે પ્રભુ જગમાં, અકળલીલા કરે પોતે,

 સદા હરિદાસને માથે કૃપા કરીને વિરાજે છે.

                       હરિદાસ મહારાજ

Tuesday, April 21, 2015

આપણી ઈર્ષ્યા કરીને લોક નાનાં થઇ જશે.



સુખ ગયું'તું એ જ રીતે દુઃખ
રવાના થઇ જશે
આપણા દિવસો ફરીથી બહુ મઝાના થઇ જશે
મારી જે નિંદા કરે છે એમને
કરવા જ દો-,
સત્ય જ્યારે જાણશે, મારા
દીવાના થઇ જશે.
આપણે મોટા થવા કંઇ પણ
નહીં કરવું પડે,
આપણી ઈર્ષ્યા કરીને લોક
નાનાં થઇ જશે.
બોલવામાં સ્હેજ પણ આ
જીભ જો લથડી જશે,
આપણા મજબૂત કારણ
ત્યાં બહાના થઇ જશે.
આપને સંકોચથી સ્પર્શ્યો હતો
એ સ્પર્શ પણ,
જાણ ન્હોતી આટલા મોંઘા
ખજાના થઇ જશે.
-
કિરણસિંહ ચૌહાણ  

Wednesday, April 15, 2015

મારા કોડિયામાં ખૂટી રહ્યુ તેલ

મારા કોડિયામાં ખૂટી રહ્યુ તેલ, પુરાવી જા ને શામળા
મારા ખોળિયામાં ખૂટી રહ્યા પ્રાણ, પુરાવી જા ને શામળા
મારા હૃદિયામાં ખૂટી રહી હામ, બંધાવી જા ને શામળા
મારા ખોરડામાં ખૂટી રહ્યુ તેજ, અજવાળી જા ને શામળા
 મારા બગીચામાં ખૂટી રહ્યા ફૂલ, ઊગાડી જા ને શામળા
મારા ફૂલડામાં ખૂટી રહી સુગંધ, ફોરાવી જા ને શામળા

Tuesday, April 7, 2015

ખુદા તારી કસોટીની...




સારા અને સાચા લોકોની ગઝલ વકાલત
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણા એવાય છે જેની દુઆ સારી નથી હોતી.
કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં 'બેફામ' કોઈ પણ જગા સારી નથી હોતી.
-
બરકત વિરાણી 'બેફામ'
ઘણીવાર અકળાઈ જવાય છે... ઈશ્વર ઉપર અશ્રદ્ધા જન્મે છે અને એમ થાય છે કે જાણે ઈશ્વરે આપણા સિવાય બધાંને ખુશ કર્યા છે...! આપણે એકલા જ દુઃખી છીએ...! પ્રાણવાયુની દીવાલ ઉપર પીડાનું કોતરકામ કર્યું છે... બરકત વિરાણી 'બેફામ' સાહેબની આ ખૂબ જાણીતી ગઝલ છે. એમાંના ચૂંટેલા શે'રો 'જીવનમાં હકારની કવિતા'માં પ્રગટ કર્યા છે... ફૂલ પરથી પણ છોડના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. એ જ રીતે આ ચૂંટેલા શે'ર જીવની જબાન પર કોતરી રાખવા જેવા છે. ખુદા એટલે કે ઈશ્વર એનું ગણિત આજેય સમજાયું નથી... જેને ગાફિલ સાહેબ, 'તમારા ફૂટપટ્ટીનાં માપ...' એવા શબ્દપ્રયોગથી સંબંધે છે. જે ખરાબ છે એને ફાવતું મળે છે અને જે સારા છે એમાં નડતું ભળે છે...! આમ, શાંત પાણી હોય પણ ખૂબી એવી કે જ્યારે તરવા જઈએ ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી...!
રડીને ઘર રાખનારાઓ કે પછી 'મારે માટે પ્રાર્થના કરજો' - એવું કહેનારા માણસો સહુથી વધારે તકવાદી હોય છે. બેફામ સાહેબ એનાથી પણ આગળ જઈને પોતાની વાત માંડે છે. બધાંને આપણે માટે પ્રાર્થના કરવાનું ક્યારેય કહેવું નહીં. કારણ કે ઘણા એવા છે જેની પ્રાર્થનામાં આપણા માટેનો પ્રપંચ હોય છે, પ્રેમ નહીં. બધાંને દુઃખ કહેવાથી દુઃખી થવામાં જ વધારો થતો હોય છે. આ જમાનો જુદો છે અને આપણાથી બદલાયો છે. કબરમાં જઈશું ત્યારે ફરિશ્તાઓ આપણું 'રેગીંગ' નહીં કરતા હોય એની શી ખબર? જમ તો પછીની વાત છે પરંતુ જમનો પાડો આપણી જોડે કેવું વર્તન કરશે? વિચાર્યું છે કદી...? બેફામ સાહેબની આ ગઝલ 'નથી હોતી...'ની બાતમી આપતી શું હોય છે? એની ખબર આપતી ગઝલ છે. આ ગઝલમાં ઈશ્વર સાથે સીધો વાર્તાલાપ છે, સંવાદ છે... ચર્ચા છે... વ્યાકુળતા છે... પ્રશ્નોની પરિપકવતા છે.. આંદોલન છે... જીવનનું અવલોકન છે... નિચોડ છે. પરંતુ ક્યાંય ઝઘડો નથી... જે બધાની પરીક્ષા કરે છે એણે પોતે પણ ઘણી બધી પરીક્ષામાંથી પસાર થવું પડયું છે પરંતુ એમાં ક્યાંય આપણે જવાબદાર ખરા...! બેફામ સાહેબના મુક્તકથી લેખનો અંત કરું છું...
''
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તેં તો કદીયે કોઈની પ્રતીક્ષા નથી કરી...
એ શું કે રોજ તું જ કરે મારું પારખું,
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી...!''
                જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી SUN 5/4/2015 Gujarat samachar
લી ક્વાન ઃ બિહારને બે વરસમાં સિંગાપોર જેવું કરી દઉં.
લાલુ ઃ સિંગાપોર મને આપે, બે દિવસમાં બિહાર બનાવી દઉ! (દોઢ દાયકા જૂનો જોક)